Anand No Garbo (આનંદનો ગરબો)
ઉખિયા માતાજી : આનંદનો ગરબો
દોહો : ઉમિયા માતા ઈશ્વરી
જપુ તમારા જાપ
અખંડ તોરા દિવા બળે
પરગટ આપો આજ
આધ્ય શકિત ઉમા તું જ છે
ધરુ હુ તારું ધ્યાન
માડી અમને આપજો
બળ બુદ્ધિ ને જ્ઞાન
ઉરમાં છે આનંદ, ગરબો ગાવાનો મા;
ઉમિયા માનો છંદ, પૂરણ થાવાનો મા...
ઉમિયા સુત ગણેશ, પરથમ સમરું છું મા;
સરસ્વતી દો આદેશ, કલમ હું કર ગ્રહુ મા...
પરિબ્રહ્મ સાક્ષાત, તમને નમન કરું મા;
ઉમા મહેશ્વર સાથ, તમને પાય પડું મા...
આધ્ચરશકિત તું એક, વ્યાપી બ્રહ્માંડે મા;
ધરિયા રૂપ અનેક, પ્રગટી નવ ખંડે મા...
સૃષ્ટિ સર્જનહાર, તું જગજનની છો મા;
જગની પાલનહાર, તું દુઃખ હરણી છો મા...
માનવ દાનવ દેવ, બાળક છે તારા મા;
કરે તમારી સેવ, ભકતો છે તારા મા...
કણ કણ તારો વાસ, તું અંતર્યામી મા;
સકળ બ્રહ્માંડે નિવાસ, તું છો બહુનામી મા...
પૃથ્વી જળ આકાશ, અગ્નિ મરુત થકી મા;
સર્જયા ભિન્ન આકાર, પાંચે તત્ત્વ થકી મા...
તમસ રજસ ને સત્વ, ત્રીગુણી પ્રકૃતિ મા;
વિલશે બ્રહ્મ તત્ત્વ, સચરાચર સૃષ્ટિ મા...
ખગ મૃગ જળચર અનંત, પૃથ્વી પર પરખ્યા મા;
લક્ષ ચોયાર્સી જંત, માયાથી સર્જયા મા...
સકલ વેદ પુરાણ, યશ તારો ગાતા મા;
તારા કરે વખાણ, સૌ તુજને ધ્યાતા મા...
બ્રહ્મા વિષ્ણુ મહેશ, તારું ધ્યાન ધરે મા;
વાસુકી ને શેષ, તારું સ્મરણ કરે મા...
ગંધર્વ કિન્નર યક્ષ, ગુણ તારા ગાતા મા;
રાય હોય કે રંક, તવ દ્વારે જાતા મા...
નારદ શારદ સંત, તારું નામ જપે મા;
જતિ જોગીને મહંત, તવ અનુધ્યાન ધરે મા...
ભવભયને હરનાર, તું જ ભવાની છો મા;
મંગળ તું કરનાર, તું જ શિવાની છે મા...
મત્સ્ય કુર્મ ને વરાહ, નુસિંહ વામન થઇ મા;
પરશુરામ શ્રીરામ, કૃષ્ણ બુદ્ધ કલકી મા...
ધરીને દશ અવતાર, શ્રી વિષ્ણુ આવ્યા મા;
કરવા ધર્મ ઉદ્ધાર, નારાયણ આવ્યા મા...
પરા શકિત થઇ સાથ, ઉમિયા તું આવી મા;
યોગ શકિત થઇ માત, નવખંડ નારાયણી મા...
નિર્ગુણ નિરાકાર, તું સઘળે વ્યાપી મા;
સગુણ થઇ સાકાર, તું દર્શન દેતી મા...
જલ તલ નભ પાતાલ, સત્તા છે તારી મા;
તારું રાજ વિશાળ, તું છો બ્રહ્માણી મા...
શશી રવિ પ્રકાશ, એ તો તારો છે મા;
નવગ્રહ તણો પ્રભાવ, એ પણ તારો છે મા...
વર્ષાની જલધાર, કરુણા વર્ષે છે મા;
સમીર શીતળ વાય, હૈયા હરશે છે મા...
નવ ખંડ સાગર સાત, તેં જ સર્જયા છે મા;
પર્વતરાજ વિરાટ, તેં જ નિર્મયા છે મા...
સુંદર વન ઉપવન, ફૂલ ખિલાવ્યા છે મા;
રૂપ રસ ને સુગંધ, તેં જ મિલાવ્યા છે મા...
ઘટઘટ તારો વાસ, આત્મારૂપે છે મા;
પકૃતિનો શ્વાસ, પરમાત્મા રૂપે મા...
પંખી કરે કિલ્લોલ, સ્વર દીધો ન્યારો મા;
તરૂવર કરે હિલ્લોલ, લય દીધો તારો મા...
જુજવા રૂપે માત, વિશ્વ મહીં ભાળી મા;
અંબા બહુચર માત, ચામુંડા કાળી મા...
ગૌરી, ગિરિજા, માત પર્વત પર બેઠી મા;
ભૂવનેશ્વરી, અન્નપૂર્ણા, તૂં સિદ્ધિદાત્રી મા...
કાત્યાયની, કૌશિકી, ગંગા ગાયત્રી મા;
કામાખ્યા, હિંગ્લાજ, તૂલજા સાવિત્રી મા...
નવલી છે નવ રાત, ગરબે ગૂમે છે મા;
રાસ રમે છે માત, ત્રિભુવન ઝૂમે છે મા...
નંદી પર અસવાર, ઉમિયા સોહે છે મા;
સોળ સજયા શણગાર, જન મન મોહે છે મા...
ચુંદલડી નવરંગ, ઉમિયા તે ઓઢી મા;
સુંદર કંચુકી અંગ, કેવી શોભે છે મા...
મુગટ શોભાયમાન, કુંડળ ઝળહળે મા;
હીરલા જડિત હાર, કેવો ઝગમગે મા...
ત્રિશૂળ લીધું હાથ, ચંડી લાગે છે મા;
કરમાં ખડગ ઢાલ, દેત્યો ભાગે છે મા...
માર્યા શુંભ નિશુંભ, રકતબીજ માર્યો મા;
સંહાર્યા ચંડ ને મુંડ મહિષાસૂર માર્યો મા...
થઇ કાલિ વિકરાળ, ખપ્પર હાથ ધર્યું મા;
અસૂરોને હણનાર, ખપ્પર રુધિર ભર્યું મા...
ભર્યા છે ભંડાર, મહા લક્ષ્મી રૂપે મા;
ખોલ્યા જ્ઞાનના દ્વાર, સરસ્વતી રૂપે મા... દેવાસુર
સંગ્રામ, દેવો વિજય થયા મા;
આવ્યું છે અભિમાન , દેવો ઘમંડી થયા મા...
તેજ તણો અંબાર, અલૌકિક રૂપ ધર્યું મા;
દેવો કરે વિચાર, કોણ દિવ્ય પુરુષ મા...
જિજ્ઞાસાથી દેવ, તેની પાસે આવ્યા મા;
નિજ શકિતના દેવોએ, ગુણગાન ગાયા મા...
દિવ્ય પુરૂષે તણખલું, સામે ધર્યું છે મા;
હટાવવાને તણખલું, આહવાન કર્યું છે મા...
વાયા વાયુદેવ, તણખલું ના હ્યું મા;
પ્રગટયા અગ્નિદેવ, તણખલું ના બળ્યું મા...
ઇનન્્દ્ર-વરુણદેવ, પણ ન સફળ થયા મા;
નત મસ્તક કરી દેવ, છે ઊભા રહ્યા મા...
ઉમાજી સાક્ષાત, સ્થાને પ્રગટ થયા મા;
કરશો ના વિવાદ, ઉમિયાજી બોલ્યા મા...
લડતા સુર અસુર, શકિત મારી છે મા;
વિજયી થયા છે સુર, શકિત મારી છે મા...
દેવો લાગ્યા પાય, માતા ક્ષમા કરો મા;
ભૂલ કદી ના થાય, માતા દયા કરો મા...
ઉમાનો જય જયકાર, સ્વર્ગ લોક મહીં મા;
લીધા છે અવતાર, પૃથ્વી લોકમહીં મા...
દક્ષનું તપ અપાર, દેવી પ્રસન્ન થયા મા;
મમ ઘર લ્યો અવતાર, ઉમિયાને વિનવ્યાં મા...
ઉમા સતીનું રૂપ, દક્ષ ઘેર અવતર્યા મા;
નિરખી સતીનું મુખ, હૈયા હરખાયા મા...
રાખી છે અભિલાષ, શિવને વરવાની મા;
રાખીને વિશ્વાસ, ભકિત કરી હતી મા...
સતી થયા યુવાન, શિવ સંગ વિવાહ કર્યા મા;
દક્ષે આપ્યું કન્યાદાન, સૌ કોઈ પ્રસન્ન થયા મા...
તીરથ રાજ પ્રયાગ, યજ્ઞો યોજાયા મા;
પૂરણ કરવા યાગ, દેવો સૌ આવ્યા મા...
સૌએ આપ્યું માન, દક્ષ ખુશ થયા મા;
શિવે દીધું નહિ માન, રાજા રુષ્ટ થયા મા...
દક્ષને વ્યાપ્યો ક્રોધ, મન સંકલ્પ કર્યો મા;
લેવાને પ્રતિશોધ, મોટો યજ્ઞ કર્યો મા...
આમંત્ર્યા સૌ દેવ, ત્રકષિગણની સાથે મા;
નિમંત્ર્યા નહિં મહાદેવ, સતીની સંગાથે મા...
હઠ લીધી સતીએ, પિયર જાવાની મા;
સમજાવ્યા શિવે, તો પણ ન માની મા...
સૌને છે સન્માન, દક્ષ નાં મંડપે મા;
પણ શિવનું નહિ સ્થાન, યજ્ઞ મંડપે મા...
શિવ નિંદા ને દ્વેષથી, સતી વ્યથિત થઇ મા;
સતીએ હોમ્યો દેહ, યજ્ઞ ફૂંડ મહીં મા...
ક્રોધિત થયા છે શિવ, ગણ પ્રગટ કર્યો મા;
છેદયું દક્ષનું શિશ, યજ્ઞ ભંગ કર્યો મા...
ખભે ઉઠાવી દેહ, શિવ તાંડવ કરે મા;
ચિંતિત થયા સૌ દેવ, સૃષ્ટિ થરથરે મા...
હરિએ લીધું ચક્ર, અંગ વિચ્છેદ કર્યા મા;
શિવ થયા વિરક્ત, પછીથી શાંત થયા મા...
જયાં જયાં પડિયા અંગ, શક્તિ પ્રગટ થઇ મા;
એકાવન શક્તિ પીઠ, સ્થાપિત ત્યાં થઇ મા...
બ્રહ્માનું વરદાન, પામ્યો તારકાસુર મા;
શિવ તણું સંતાન, મારે એ અસુર મા...
આધ્યશકિતને દેવ, વિનવે કૃપા કરો મા;
હિમાલયને ઘેર, તમે અવતાર ધરો મા...
મેના કેરી ગોદ, મહીં ગિરિજા ખેલે મા;
વિવાહ તણા બહુ કોડ, માતા મનમાં રેલે મા...
એક સમયની વાત, નારદજી આવ્યા મા;
પાર્વતીને માત, ત્રકષિ પાસે લાવ્યા મા...
દેવર્ષિ જુઓ જોશ, વર કેવો મળશે મા;
શું એના ગ્રહદોષ, કુળ કેવું મળશે મા....
અજન્મા અનિકેત, વર એવો મળશે મા;
વરનો અગોર વેશ, કન્યા એને વરશે મા...
વિધાતાના લેખ, ત્રકષિએ ભવ ભાખ્યું મા;
થાય નહિ મીન મેખ, વિધિએ જે લખ્યું મા...
પાર્વતીની માત, સુણી દુઃખી થઇ મા;
ગિરિજાએ જાણી વાત, એ બઉ ખુશ થયા મા...
અજર અમર મહાદેવ, બીજો હોય નહિ મા;
કરવી એની સેવ, બીજુ કોઇ નહિ મા...
મેળવવા ભરથાર, તપ ઘણું કર્યું મા;
કષ્ટ પારાવાર, હસ્તે મુખે સહ્યું મા...
ત્રશપષિઓ આવ્યા સાથ, પરીક્ષા કરવાને મા;
ઉમિયાની એક જ વાત, શિવને વરવાની મા...
રિઝયા ભોળા નાથ, શિવે કૃપા કીધી મા;
જાલ્યો ઉમાનો હાથ, શિવે સંગ લીધી મા...
વિવાહ થયા અદભુત, શિવને શકિત મળ્યા મા;
જાનમાં આવ્યા ભૂત, સૌ કોઇ છળી મર્યા મા...
શિવનું વરવું રૂપ, મેના મૂછિત થ્યા મા;
શિવનું સુંદર રૂપ, જોઇ હર્ષિત થ્યા મા...
વિવાહ શુભ પ્રસંગ, દેવો પધાર્યા છે મા;
હૈયે છે ઉમંગ, સૌને સત્કાર્યા મા...
મેના ને ગિરિરાજ, કન્યાદાન કીધું મા;
પુષ્પ વૃષ્ટિ આકાશ, શિવને માન દીધું મા...
કરે પ્રતીક્ષા દેવ, વખત વીતી જાશે મા;
સમાધિમાં મહાદેવ, પુત્ર કેમ થશે મા...
સૌની એક જ વાત, વિપદા કેમ હરશે મા;
સૌને મન ઉચાટ, દૈત્ય કેમ મરશે મા...
શિવના તપનો ભંગ, કોણ કરી શકશે મા;
એક જ છે અનંગ, ચિત્ત ચલિત કરશે મા...
સૌનું કરો કલ્યાણ, કામદેવ માન્યા મા;
ચલાવ્યા નિઝના બાણ,શિવજી જાગી ઉઠયા મા...
ક્રોધ કર્યો મહાદેવ, નેત્ર ત્રીજુ ખુલ્યું મા;
ભસ્મ થયા કામદેવ, જગત કામ ભૂલ્યું મા...
રતિ કરે વિલાપ, શિવજી સમજયા છે મા;
આપ્યું જીવનદાન, અનંગ મન વસ્યા છે મા...
શિવ શકિતને ધામ, પુત્ર અવતર્યો મા;
કાર્તિકેય બલવાન, તારકાસુર હણ્યો મા...
ગરવા ગણપતિ દેવ, ઉમિયા સુત થયા મા;
માત-પિતાની સેવ, પરથમ પુજાયા મા...
એક સમયની વાત, શિવ સમાધિસ્થ થયા મા;
એકલા ઉમિયા માત, પૂતળા ઘડતા રહ્યા મા...
પૂતળા થયા બાવન, ઉમાએ પ્રાણ પૂર્યા મા;
કડવા પાટીદારના એ ગોત્ર થયા મા...
તેથી ઉમિયા માત, કડવા કુળદેવી થઇ મા;
વિસ્તર્યા છે પરિવાર, સૌની ચડતી થઇ મા...
સંવત ર૧ર, વ્રજપાલે સ્થાપ્યા મા;
મંદિર ઉગમણે દ્વાર, ઉંઝા પ્રગટ થયા મા...
કડવા પાટીદાર, દેશ-વિદેશે ગયા છે મા;
લઇને સૌ સંગાથ, કુળદેવી ઉમિયા ને મા...
સકલ વિશ્વ પટલપર, ઉમિયાના દેરા મા;
નગર નગર ને ઘર ઘર, બેસણા ઉમિયાનાં મા...
ઇષ્ટદેવ અનેક, એક જ કુળદેવી છે મા;
તીર્થધામ અનેક, એક ઉમાપુર છે મા...
ઉંઝા દ્વારે, લક્ષ ચંડી યજ્ઞ થયો મા;
મહોત્સવની મોજાર, મહેરામણ ઉમટયો મા...
શંકરાચાર્યની સાથ, મહિમા ગાન કર્યું મા;
દર્શન કરવા કાજ, લાખો બાળક આવ્યા મા...
મનસા વાચા પાપ, સઘળા હરનારી મા;
ત્રિવિધ તાપ સંતાપ, શમન કરનારી મા...
કોઇ કનડે નહિં રોગ, ઉમિયા નામ જપે મા;
ન સંતાપે વિયોગ, જે કોઇ મંત્ર જપે મા...
ન આવે ભૂત પિશાચ, જયાં અખંડ દીપ જલે મા;
ઘરમાં કદી ન વાસ, જ્યાં તારો ધૂપ ફરે મા...
મા ઉમિયાને દરબાર, સૌ કોઇ આવે છે મા;
મન વાંચ્છિત ઉપહાર, સૌ કોઇ પામે છે મા...
ગુણ ગાયે સૌ ભક્તો, મન આનંદ ઘણો મા
કડવા કુળના બાળ, ઉમિયા માતતણા મા...
જે કઇ ગાયું માત, તારી શકિત થકી મા;
પામ્યો કૃપા પ્રસાદ, તારી ભકિત થકી મા...
ઉંઝા રૂડું ધામ,ઉત્તર ગુજરાતે મા;
મોટું તમારુ ધામ,ઝળહળ તું શોભે મા...
રાખીને વિશ્વાસ ભકિત જે કરશે મા;
જાશે એ કૈલાશ, ભવસાગર તરસે મા...
આનંદનો ગરબો ઉમિયાનો, જે ગાશે મા;
ધન સંતતિ ઘરમાંય, સુખ શાંતી થાસે મા...
ઉરમાં છે આનંદ, ગરબો ગાવાનો મા;
ઉમિયા માનો છંદ, પૂરણ થાવાનો મા...
.png)